|
સર્ગ ત્રીજો
ખોજ માટેનું આમંત્રણ
વસ્તુનિર્દેશ
નવસર્જનના મોખરા જેવું પ્રભાત આવ્યું. વિશાળતર સૂર્યપ્રકાશે વૃક્ષોમાં
એક કંપ વ્યાપ્યો, આનંદના આગમને અંતરાત્મામાં વ્યાપી જાય છે તેવો..
પર્ણપુંજે છુપાયેલા કોકિલે સૂરીલો ટહુકો કર્યો, પરંતુ તે વખતે રાજા
અશ્વપતિ જગતના મર્મર ધ્વનિઓથી વિમુખ અવસ્થામાં અગોચર અવાજો તરફ વળ્યો
હતો. જીવનને વર્તુલના ઘેરામાં પૂરી રાખનારાં બારણાં સૂક્ષ્મમાં ઊઘડયાં
અને વણજન્મી શક્તિઓનો દબાઈ રહેલો સ્વર એણે સાંભળવા માંડયો. પૂર્ણતાનું
ધામ બનેલું જીવન, ચંચલ મનની નિશ્ચલતા અને નિશ્ચિતતા, રાહુગ્રાસથી મુક્ત
થયેલો આનંદ, અજ્ઞાનમાં પરમ સત્યનું પ્રાકટય, ને મર્ત્યોને અમરો બનાવી
દેતી દેવતાઈ ઝંખનની એક જબરજસ્ત જવાળા જાગી ને વિચારનાં વ્યોમમંડળોમાંથી
ઊઠેલો એક શબ્દ અશ્વપતિના મસ્તિષ્કમાં પ્રવેશ્યો ને પડઘા પાડવા લાગ્યો :
" કોઈ એક શક્તિનાં ચલાવ્યાં ચાલનારાં ને દૈવથી હંકારતાં ઓ પૃથ્વીનાં
સંતાનો ! તમારા ક્ષુદ્ર 'અહં' ની ને તુચ્છ વસ્તુઓની આસપાસ ક્યાં
સુધી ચક્કરો માર્યા કરશો ? અમૃતતત્ત્વમાંથી તમે ઉત્પન્ન થયેલાં
છો, તમારું જીવન વૃદ્ધિ પામતા દેવો માટેનું બદલાતું બીબું છે, તમારી
ભીતરમાં એક દિવ્ય દ્રષ્ટા છે, એક મહાન સ્રષ્ટા છે, એક અણીશુદ્ધ દિવ્ય
મહિમા છે. તમે પરમાત્માના વાતાવરણમાં પ્રબુદ્ધ થઇ શકો છો, મનની
દીવાલોને તૂટી પડતી જોઈ શકો છો, સૂર્યની દૃષ્ટિએ પ્રકૃતિ પાર જોઈ શકો
છો, સનાતનને બારણે જઈ તમારો પાંચજન્ય વગાડી શકો છો. પૃથ્વીના પરમોચ્ચ
રૂપાંતરના તમો વિધાયકો છો, આત્માની ભોમના ભયપ્રેરક અવકાશો પાર કરીને
પરાશક્તિના સ્વરૂપનો માતૃ-સ્પર્શ પામી શકો છો, માંસમાટીના ઘરમાં
સર્વશક્તિમાનનો સમાગમ સાધી શકો છો અને બહુસ્વરૂપધારી એક્સ્વરૂપની સાથે
જીવનને એકાકાર બનાવી શકો છો.
૩૩
પરંતુ તમે જ્યાં પગલાં ભરો છો તે પૃથ્વીની ને સ્વર્ગની વચ્ચે એક આડો
પડદો પડેલો છે. તમારાં બારણાં આગળ થઈને જાજવલ્યમાન અમર શક્તિઓ આવજા કરે
છે. તમારા ક્ષુદ્ર સ્વરૂપની મર્યાદા ઓળંગી આગળ જવા માટેનાં રણશિંગા
તમને બોલાવે છે. માણસોમાંથી થોડાક તો આ સાંભળે છે ને તેથીય થોડા તે
માટેની અભીપ્સા રાખવાની હામ ભીડે છે. આશાનું ને નિષ્ફળતાનું
મહાકાવ્ય પૃથ્વીના હૃદયને ભગ્ન બનાવી રહ્યું છે. એના સ્વરૂપ ને ભાગ્ય
કરતાં એની શક્તિ અને સંકલ્પ વધારે મોટાં છે. અચેતનતાની જાળમાં ફસાઈ
ગયેલી એ એક દેવી છે. મૃત્યુનાં ગોચરોમાં સ્વયં-બદ્ધ એ જીવનનાં સ્વપ્ન
સેવે છે, નરકની યાતનાઓ જાતે વેઠતી એ આંનંદ માટે અભીપ્સા રાખતી રહે છે.
એને ખબર છે કે એક ઉચ્ચગામી પગલું સર્વને મુક્ત મુક્ત બનાવી દેશે.પોતે
દુઃખમાં પડેલી હોવા છતાં એ પોતાનાં બાળકોને માટે મહિમાની માગણી કરે છે.
મનુષ્ય પોતે મર્યાદિત હોઈ પરમોચ્ચનેય માર્યાદિત રૂપે જુએ છે, અલ્પ લાભો
માટે એ અજ્ઞાનની શક્તિઓ પ્રત્યે વળે છે, આસુરી શક્તિઓના યજન માટે
પોતાની વેદિઓ પ્રદીપ્ત કરે છે. દુઃખની માતા એવી અજ્ઞાનતાના પ્રેમમાં એ
પડેલો છે, એના અંતરાત્માનો અવાજ માર્યો ગયો છે. એના મંદિરમાં એણે અસત્
મૂર્ત્તિ પધરાવી છે, મહામાયાની છાયાએ એ ઘેરાઈ ગયો છે. એના ઉદ્ધાર માટે
જે કંઈ ઉધત થાય છે તે બધું જ નિષ્ફળ નીવડે છે. હજુ સુધી બહુ થોડાક જ
દેવતાઓ મર્ત્ય દેહમાં દેખા દે છે."
આ શબ્દો ગૂઢ ગગનોમાં પાછા ફરી ગયા, પણ દેવોના દેદીપ્યમાન ઉત્તરરૂપ
સૂર્યોજજવલ અવકાશોમાં થઈને સાવિત્રી ત્યાં ઉપસ્થિત થઇ. રાજર્ષિ અશ્વપતિ
અંતરની દૃષ્ટિથી એને જોઈ રહ્યો હતો. સાવિત્રીમાં એને એના અદભુત
સ્વરૂપનું દર્શન થયું, અને આપણા કવિએ તો એના મુખ દ્વારા
સાવિત્રીના દિવ્ય છતાં માનુષી અને માનુષી છતાં દિવ્ય સ્વરૂપનું
કવિત્વની પરાકાષ્ઠાએ પહોંચતું વૈભવી વર્ણન કર્યું છે. પોતાની પુત્રી
રૂપે પ્રકટ થયેલી સવિતૃદેવની તેજોમયી શક્તિનાં દર્શન થતાં ઋતોના રાજાના
અંત:કરણમાં અસીમનાં ક્ષેત્રોના વિચાર જાગ્યા.અને પ્રેમનાં ગહનોમાંથી
પોતાની પ્રત્યે જોઈ રહેલી એ દેવમાનવ મૂર્તિને આત્માનાં શિખરો પરથી
અવલોકતો રાજા આ પ્રમાણે સંબોધન કરવા લાગ્યો. આપણાં જીવનોને પલટાવી નાખે
એવાં એનાં સહજ સ્ફૂરેલાં આકસ્મિક વાક્યો જાણે કોઈ નિગૂઢ રહીને બોલાવતું
ન હોય એવા પ્રકારનાં હતાં. ભાગ્યનિર્માણના શબ્દો એને ઓઠે સરકી આવ્યા :
" ઓ શાશ્વતીની યાત્રાએ નીકળેલા આત્મા ! જીવનનાં જબરાં જોખમોની
સામે શસ્ત્રસજજ બનીને આવેલા એ આત્મા ! યદૃચ્છા અને ભવિતવ્યતાને
માથે તારાં વિજયી પગલાં માંડ. કોઈ પુરુષોત્તમને માટે પ્રારબ્ધે તને
સાચવી રાખી છે. તું આ જગતમાં એકલવાયી રહેવા માટે આવેલી નથી. પ્રેમનું
સૌન્દર્ય તારા
૩૪
નિષ્કલંક કૌમારમાં જીવંત રૂપે આલેખાયેલું છે. સ્વર્ગીય
સામર્થ્થનો ને સંમુદાનો સંદેશ લઈને તું આવેલી છે. જેની આગળ તું તારું
દૈવી હૃદય ઉઘાડશે તેને તે સર્વ પ્રાપ્ત થશે અને એની સહાયથી એ પોતાના
જીવનને મહિમાવંતું બનાવી દેશે.
તું હવે આ મહાન જગતની જાત્રાએ જા અને તારા આત્માના આત્મા જેવો જીવનસાથી
શોધી લાવ. એ તારું પોતાનું જ અન્ય સ્વરૂપ હશે. એની સાથે તારી
સહયાત્રાને માર્ગે તું આગળ વધ. તારી મૂગી જીવનવીણાને ઝંકાર કરતી બનાવી
શકે એવા વીણાવાદકને શોધી લાવ, ને એની સાથે હાથ મિલાવી સ્વર્ગના જીવનરૂપ
મહાપ્રષ્નનો તું સામનો કર. છદ્મવેશી અગ્નિપરીક્ષાઓને તું પડકાર દે,
પ્રકૃતિતલથી પ્રભુનાં શિખરોએ આરોહ, પરમસુખના મુકુટધારી દેવોની સંમુખીન
થા, અને કાળની પારના તારા મહત્તર પરમાત્મસ્વરૂપનો ભેટો કર."
સાવિત્રીનાં બંધ બારણાં ઊઘડી ગયાં ને એમાં થઇ એની દિવ્ય શક્તિઓ અંદર
પ્રવેશી. તે રાત્રિને અંતે પ્રભાત પહેલાં તો એ વિશાળ વિશ્વમાં પોતાના
પ્રેમના પ્રભુની શોધમાં નીકળી પડી.
|
|
નવા સર્જનનો અગ્રભાગ જે લાગતું હતું
તે સુપ્રભાત આવ્યું ને લાવ્યું સૂર્યપ્રભા એક મહત્તરા,
વધારે સુખિયાં સ્વર્ગો લાવ્યું એહ,
વસ્તુઓના સદાસ્થાયી મૂળમાંથી આવે છે જે પ્રકાશમાં
તે સંચાલિત સૌન્દર્યે ચિત્રચિત્ર પ્રકારના
ભારોભાર લદાયલું.
પ્રાચીન એક ઉત્કંઠ અભીપ્સાએ નાખ્યાં મૂળ નવાં ફરી.
હવાએ ઘૂંટડો ઊંડો ભર્યો પૂર્ણ ન થયા અભિલાષનો;
ભમતા વાયુની લ્હેરે તરુ ઊંચાં પ્રકંપતાં,
કંપે છે જેમ ચૈત્યાત્મા પાસે આનંદ આવતાં,
અને હરિત એકાંતતણે હૈયે સૂરીલી એક કોકિલા
હરહંમેશ અશ્રાંત પ્રેમના એક રાગથી
પાંદડામાં ટુહૂકાર રવે મચી.
ક્ષણભંગુર સાદો ને જવાબો જ્યાં બને મિશ્રપ્રવાહના
ત્યાં પૃથ્વીના મર્મરાટથકી દૂર વળી જઈ
રાજા અશ્વપતિ શ્રોત્ર માંડી કિરણ મધ્યથી
શ્રવણેન્દ્રિયને ભેટે તેથી ન્યારા અવાજો સુણતો હતો.
આપણી જિંદગી કેરી આસપાસ રહેલ છે
તે સૂક્ષ્મ અંતરાલમાં
|
૩૫
|
|
અંતરાત્માતણાં દ્વારો વસાયેલાં સમાધિએ
ઉદઘાટિત થઇ ગયા :
અશ્રાવય જે હતો સૂર નિસર્ગે તે સુણાઈ શકતો હતો;
ઉત્કંઠ જીવનોની આ યુગો કેરી પદયાત્રામહીં થઇ,
વર્તમાનતણી ચિંતાજાળ કેરી ઊંડી તાકીદમાં થઇ,
વિશ્વની રિક્તતા કેરા તીવ્રોત્સાહે ભરેલા હાર્દમાંહ્યથી
નિ:શબ્દ સ્તોત્રો પુથ્વીનું અનિર્વાચ્ય પ્રત્યે ઊઠી રહ્યું હતું;
કાળના ઊજળા આડા આગળાઓતણી પૂથળ ગુંજતો
ન જન્મેલી શક્તિઓનો સ્વર એણે સુણ્યો દાબી રખાયલો.
ફરીથી જવાળ પોતાની ઊંચે પ્રેરી રહી જબ્બર ઝંખના,
માગતી માનવો માટે પૂર્ણતાની જિંદગી પૃથિવી પરે,
પ્રાર્થતી ધ્રુવતા એહ મને અધ્રુવતા ભાર્યા,
દુઃખ સ્હેતાં મનુષ્યોનાં હૃદયો કાજ માગતી
છાયામુક્ત મહાસુખ,
માગતી મૂર્ત્ત એ સત્ય અજ્ઞાન જગની મહીં,
મર્ત્ય સ્વરૂપને દિવ્ય બનાવી દે એવું દૈવત માગતી.
કૂદીને એક આવેલો શબ્દ કોઈ
દૂર કેરા વ્યોમમાંથી વિચારના
અવગુંઠિત સત્કારી લેનારા લિપિકારના
દ્વારા પ્રવેશ પામતો,
એના મસ્તિષ્કના માર્ગો ધ્વનાવંતો તેમની પાર સંચર્યો,
અંકિત કરતા જીવકોષો ઉપર છાપ એ
પોતાની મૂકતો ગયો.
" લોકો ઓ જગતી-જાયા ! શક્તિ કેરા દાબને વશ વર્તતા,
હંકારાયેલ દૈવથી,
ક્ષુદ્ર સાહસિકો ઓ હે ! અનંત જગની મહીં,
બંદીવાન બનેલાઓ ! વામણી મનુ-જાતિના,
ક્યાં સુધી ચાલતા રે'શો મનનાં ચક્કરોમહીં,
તમારી લઘુ જાતની
ને તુચ્છ વસ્તુઓ કેરી આસપાસ ફર્યે જતા ?
પરંતુ પલટાયે ના એવી ક્ષુદ્રતામાં જ જીવવું
એ હતો નહિ ઉદ્દેશ તમારી જિંદગીતણો,
અમથી પુનરાવૃત્તિ માટે ઘાટ ઘડાયો તમ ના હતો;
અમૃતાત્માતણા આદિ-દ્રવ્યમાંથી બનાવાયા હતા તમે; |
૩૬
|
|
શીઘ્ર આવિષ્કારકારી પગલાંઓ તમ કર્મો બની શકે,
વૃદ્ધિ પામંત દેવોને માટે બીબું
બદલાતું બની જાય એવી છે તમ જિંદગી.
ભીતરે એક છે દ્રષ્ટા, સ્રષ્ટા એક સમર્થ છે,
વિશુદ્ધ મહિમા દિવ્ય કરે ચિંતા તમારા દિવસોતણી,
બંદી પ્રકૃતિના કોષોમહીં સર્વશક્તિમાન બળો રહ્યાં.
તમારી સંમુખે વાટ તમ જોતું ભાવિ એક મહત્તર :
સંકલ્પ જો કરે સત્ત્વ આ અનિત્ય જાયેલું જગતીથકી
તો પોતાનાં કર્મને એ
સર્વોચ્ચ યોજના સાથે મેળમાં મેળવી શકે.
અત્યારે જે અજ્ઞ આંખે તાકે છે જગની પ્રતિ
ને અચિત્ ની રાત્રિમાંથી જાગેલો માંડમાંડ છે,
જુએ જે પ્રતિબિંબોને ને જુએ નહિ સત્યને,
તે મનુષ્ય દૃષ્ટિથી અમરોતણી
એ આંખોને ભરી શકે.
તમારાં હૃદયો મધ્યે દેવતાત્મા તે છતાં વૃદ્ધિ પામશે,
બ્રહ્ય કેરી હવામાંહે તમે પ્રબોધ પામશો,
ને તૂટી પડતી જોશો દીવાલો મર્ત્ય ચિત્તની,
મૂગું છોડયું હતું જેણે હૈયાને જિંદગીતણા
તે સંદેશો તમે સાંભળશો અને
જોશો પ્રકૃતિની પાર પોપચાંએ સૂર્ય પે મીટ માંડતાં,
ને સનાતનને દ્વારે શંખો તમ વગાડશો.
પ્રવર્તક ધરા કેરા મહોચ્ચ પલટાતણા,
ચૈત્યાત્માંના ભયે પૂર્ણ સ્થાનો સંક્રામવાતણું,
પૂર્ણ પ્રબુદ્ધ ઓજસ્વી માનો સ્પર્શ
પામવાનું કામ છે તમને મળ્યું,
તમારે મળવાનું છે દેહગેહમહીં સર્વસમર્થને,
કોટાનુકોટિ છે જેનાં અંગો એ એકરૂપનું
સ્વરૂપ સર્જવાનું છે તમારે જિંદગીમહીં.
જે પૃથ્વી પર ચાલો છો તમે તે તો માત્ર એક કિનાર છે,
એની ને સ્વર્ગની વચ્ચે પડદો એક છે પડયો,
જે જ્યોતિ છો તમે પોતે તેને રાખે સંતાડી તમ જિંદગી.
તમારાં બારણાં પાસે થઇ અમર શક્તિઓ
ભભૂકંતી વેગે પસાર થાય છે;
|
૩૭
|
|
તમારાં શિખરો માથે દૂર દૂર ધ્વને છે દેવ-ગીતડાં,
તૂર્યો વિચારનાં જાત પાર જાવા તમને હાંક મારતાં,
થોડાક સાંભળે છે એ, એથી થોડા
હામ ભીડે અભીપ્સા રાખવાતણી,
મહામુદા અને દીપ્ત જવાલાના છે એ થોડા પ્રેમ-પાગલો.
આશા નિષ્ફળતા કેરું મહાકાવ્ય ભાંગે હૃદય ભૂમિનું;
એનું ઓજ અને એની ઈચ્છાશક્તિ
અતિક્રાંત કરે એના રૂપને અથ ભાગ્યને.
અચેતનતણી જાળે દેવી એક ઝલાયલી
મૃત્યુને ગોચરે જાતે બદ્ધ, સ્વપ્ન સેવતી જિંદગીતણાં,
નારકી યાતનાઓને જાતે સ્હેતી, આનંદાર્થ અભીપ્સતી,
વિરચંતી નિરાશાની પોતા કેરી વેદિઓ આશ કારણે,
જાણતી કે એક ઊંચું પગલું સૌ મુક્ત મુક્ત બનાવશે,
દુ:ખિતા ધરતી ખોજ મહિમાની
પુત્રો માટે પોતાના કરતી જતી.
પણ અંધારથી ઘેર્યાં માનવી હૃદયોમહીં
અગ્નિ એક છે ઊંચે અધિરોહતો,
અદૃશ્ય મહિમાધામ વિરાજે છે વણપૂજાયલું તહીં;
મર્યાદા બાંધતા રૂપમહીં જોતો મનુષ્ય પરમોચ્ચને,
અથવા માંડતો દૃષ્ટિ વ્યક્તિસ્વરૂપની પરે,
સુણતો એક નામ વા.
તુચ્છ મેળવવા લાભ વળે છે એ અજ્ઞાન શક્તિઓ પ્રતિ,
યા દીપકો પ્રજાળે છે વેદી કેરા આસુરી મુખ અર્ચવા,
દુ:ખોત્પાદક અજ્ઞાન પર એ પ્રેમ રાખતો.
એના યશસ્ય ઓજો છે મંત્રતંત્ર કેરા પ્રભાવની તળે.
દોરતો જે હતો એના વિચારોને
તે ગુમાવ્યો છે મનુષ્યે અવાજ અંતરાત્મનો,
અને છદ્મે છુપાવીને દેવવાણીતણું ત્રિપાદ-આસન
સત્યાભાસી મૂર્ત્તિ એક ચમત્કારી મંદિરે છે ભરાયલી.
મહામાયા લપેટે છે એને પોતાતણાં આવરણોમહીં,
આત્માનાં સૂચનો ઊંડાં બની નિષ્ફળ જાય છે,
નિષ્ફળા નીવડે લાંબી દ્રષ્ટાઓની પરંપરા,
મુનિયો ધ્યાનનું કાર્ય કરે નિ:સાર જ્યોતિમાં,
સમર્પે બાહ્ય સ્વપ્નાંને કવિઓ કાવ્યના સ્વરો, |
૩૮
|
|
આગાર વણનો અગ્નિ જિહવાઓને પ્રેરે પેગંબરોતણી.
સ્વર્ગની ઊતરે કિંતુ ફરે પાછી જાજવલ્યમાન જ્યોતિઓ,
ઉજ્જવલંતી આંખ આવે સમીપે ને ફરી પાછી વળી જતી;
શાશ્વતી શબ્દ ઉચ્ચારે, કિંતુ એનો શબ્દ કો સમજે નહીં;
અનિચ્છુ હોય છે ભાગ્ય, ને ગર્ત ઇનકારતો;
અચિત્ કેરાં મનોહીન જલો રોધે સર્વ કાંઈ કરેલને.
જરાક જેટલો ઊંચો પડદો મનનો થતો.
જાણે છે જ જ્ઞાનવાનો તેઓ માત્ર જુએ અરધ સત્યને,
બળવાનો ચઢે છે જે
તે ચઢે છે માંડ માંડ નીચા માથાવાળા શિખરની પરે,
પ્રેમની ઘટિકા માત્ર અપાયે છે ઝંખાએ ભર હાર્દને,
અર્ધી કથા કહી એની અચકાઈ જાય છે ગૂઢ ચારણ;
મર્ત્ય રૂપોમહીં દેવો હજુ અત્યંત અલ્પ છે."
નિજ વ્યોમોમહીં છુપાં અવાજ ઓસરી ગયો.
પરંતુ દેવતાઓના દીપ્ત ઉત્તરના સમી
આતપી અવકાશોમાં થઇ આવી સાવિત્રી ત્યાં સમીપમાં.
સ્વર્ગને ધારતા સ્તંભો જેવાં ઊંચાં વૃક્ષોમાં થઇ વાધતી,
સ્ફૂરાયમાણ રંગોએ ભર્યા અંગવસ્ત્રે નિજ સજયલી,
શાશ્વત ભુવનો પ્રત્યે જવાલાવંતી બનેલી લાગતી હતી,
મહી-મંદિર આકાશી છતવાળું, ત્યાંથી યાત્રિક-હસ્તથી
અદૃશ્ય દેવતાધામે
ઉતારાતી આરતીના જેવી એ શોભતી હતી.
આવિષ્કાર ઘડી કેરી આવી ભેટ સાવિત્રીના સ્વરૂપમાં :
જડસી દેહની આંખે માર્યાદિત થયા વિના
સર્વ કાંઈ ફરીથી સમજાવતાં
ઊંડાણોમાંહ્યથી રાજા એને જોઈ રહ્યો હતો,
સ્વચ્છ આવિષ્કાર કેરી કમાનમાં
થઇ જોતાં નવેસર પમાયલી,
હતી એ ભુવનાનંદ કેરા સૂચનના સમી,
તરસ્યા દેવતાઓને માટે અમૃતપાત્ર શી
એ કંડારી કઢાયલી,
અલૌકિક કલાકાર કેરી એ અદભુતા કૃતિ,
શ્રુતિમૂર્ત્તિ શ્વાસ લેતી હર્ષ કેરી સનાતન સ્વરૂપના,
હતી માધુર્ય કેરી એ જવાળા સ્વર્ણાગ્નિ-ગુંફિતા.
|
૩૯
|
|
પરિવર્તન પામેલું પ્રતિમા-મુખ કોમળું
સ્વયંપ્રકાશ સંકેત બન્યું એક અગાધતર સૃષ્ટિનો,
પવિત્ર જનમો કેરી સ્વર્ણપત્રી તકતી એક એ હતું,
વિશ્વપ્રતીક ગંભીર જિંદગીમાંહ્યથી કોરી કઢાયલું.
અકલંકિત સુસ્પષ્ટ સ્વર્ગોના પ્રતિરૂપમાં
ભાલ એનું ઢળાયલું,
હતું ધ્યાનતણું પીઠ ને સુરક્ષા હતું ધ્યાનસ્થતાતણી,
હતું કક્ષા અને મંદહાસ્ય ચિંતાનિમગ્ન અવકાશનું,
એની વિચિંતતી રેખા પ્રતીકાત્મક વંક કો
હતી અનંતતાતણો.
અભ્રોના વૃન્દ શી એની અલકાવલિ મધ્યમાં
રાત્રિની પાંખની છાયે જાણે છાયાં એનાં આયત લોચનો
સોનેરી ચંદ્ર શા એના સ્વપ્નશીલ ભાલવિસ્તારની તળે
વિશ્વને ધારતા પ્રેમ ને વિચારતણા બે સાગરો હતાં
આશ્ચર્ય પામતાં જોઈ જિંદગીને પાર્થિવ લોકને
દૂર કેરા સત્યોને દેખતાં હતાં.
એક અમર તાત્પર્ય એનાં મર્ત્ય અંગોમાંહે ભર્યું હતું;
સોનેરી ફૂલદાનીની ઉગ્ર રેખામહીં યથા
તથા તે લગતાં વ્હેતાં લયવાહી સિસકારો મુદાતણો
જે સ્વર્ગધામની પ્રત્યે પૃથ્વી કેરી મૂગી
આરાધનાથકી
પ્રકટી ઊઠતો હતો,
ને જે શાશ્વત ચીજોની પૂર્ણતાની દિશા ભણી
થતો 'તો મુક્ત જીવંત રૂપ કેરા સૌન્દર્યાર્થી પુકારમાં.
પારદર્શકતા પાસી અલ્પજીવી જીવતા પરિવેષ્ટને
અભિવ્યંજક દેવીને કરી ખુલ્લી એની દૃષ્ટિ સમીપમાં.
બાહ્ય દૃષ્ટિ અને મર્ત્યતણા ઇન્દ્રિયગ્રાહથી
છટકી જે જતી હતી,
મનોમોહક તે એના આકારોમાં રહેલી રૂપરાગતા
બની શક્તિતણી એક મૂર્ત્તિ ચિત્ર અર્થસૂચનથી ભરી,
પોતાની કૃતિઓમાંના એક માનવ રૂપમાં
ફરીથી ઊતરી નીચે આવતી ના કળાયે એ પ્રકાશથી,
ઉત્ક્રાંતિ પામતા વિશ્વે જે સ્વરૂપ હતું માટી પરે
ખડું,
ને તરી આવતું 'તું જે સ્પષ્ટ સીધા જિંદગીના ઉઠાવમાં,
કોરી કઢાયલી દેવમૂર્તિ ભીંતે વિચારની,
|
૪૦
|
|
વહેતી ઘટિકાઓમાં પ્રતિબિંબન પામતી,
છાયામાં પધરાવેલી જડ દ્રવ્યે
જેમ કોઈ મહામંદિર-ગહવરે.
મૂલ્યો મનતણાં અલ્પજીવી લુપ્ત થઇ ગયાં,
પાર્થિવ દૃષ્ટિનો ત્યાગ કર્યો દૈહિક ઇન્દ્રિયે,
અમરો બે મળ્યા આંખ સાથે આંખ મેળવીને પરસ્પર.
જાગીને ગાઢ જાદૂથી રોજના ઉપયોગના
બાહ્ય રૂપતણે વેશે છુપાવી જે રાખે છે આત્મ-સત્યને,
જાણીતાં ને લાડવાયાં અંગો મધ્ય થઇ અશ્વપતિ જુએ
નિજ પુત્રીતણે રૂપે લઇ જન્મ
આવેલા મહિમાવંતા ને અવિજ્ઞાત આત્મને.
ઊંડી ભીતરની દૃષ્ટિમાંથી ઊઠયા તત્કાલ તાતને મને
વિચારો જેમને ભાન નિજ ક્ષેત્રમર્યાદાનું હતું નહીં.
મનનો સાંકડો માર્ગ કરી પાર
પ્રેમ એને જ્યાંથી વિલોકતો હતો
તે વિશાળાં અને ચિંતામગ્ન ઊંડાણની પ્રતિ
બોલ્યો પિતા પછી વાક્યો જે અદીઠાં શૃંગોથી આવતાં હતાં.
શબ્દ થોડા અકસ્માત નીકળેલા
પલટાવી શકે જીવન આપણું.
કેમ કે આપણી વાણી કેરા પ્રચ્છન્ન પ્રેરકો
તાત્કાલિક મનોવસ્થા કેરાં સૂત્રો વપરાશે લઇ શકે
અને અભાન ઓઠોની પાસે શબ્દો ઉચ્ચારાવે અદૃષ્ટના.
" યાત્રી શાશ્વતતા કેરા, ઓ હે આત્મા !
છે આવેલો અહીંયાં તું અવકાશોથકી અમરધામના,
તારા જીવનનાં જંગી જોખમોને માટે છે શસ્ત્ર તેં સજ્યાં,
યદ્દચ્છા ને કાળ માથે મૂકશે તું વિજયી પાય તાહરા,
સ્વપ્રભામંડલે ઘેર્યો ચંદ્ર તારા જેવાં સ્વપ્ન
નિષેવતો.
બલિષ્ઠ એક સાન્નિધ્ય હજી રક્ષા કરે તારા શરીરની.
છે સંભવિત કે સ્વર્ગો સાચવી તુજને રહ્યાં
આત્મા માટે મહાન કો,
તારું ભાગ્ય અને કાર્ય રખાયાં ક્યાંક દૂર છે,
અટૂલા તારલા જેમ આત્મા તારો નીચે અવતર્યો નથી.
કાંચનકાંત કૌમાર્યે પવિત્ર સચવાયલા
સ્નેહસુંદરતા કેરા સજીવ અભિલેખ હે ! |
૪૧
|
|
સનાતનતણી સૂર્યશુભ્રા લિપિમહીં કહે,
કયો સંદેશ સ્વર્ગનો
તારી મહીં લખાયો છે શક્તિ ને સમુંદાતણો,
જેને શોધી કાઢનારો એનાથી મહિમાવતી
કરશે નિજ જિંદગી,
જયારે તું તેહની પ્રત્યે તારા હૈયા કેરાં રતન-સૂત્રને
ઉઘાડાં નાખશે કરી.
મૌનના પદ્મરાગ હે
અધરો ! ઝરતું જ્યાંથી મંદહાસ્ય અને સંગીત
શાંતિનું,
તારકોજજવલ હે નેત્રો ! જાગનારાં મહતી મધુ
રાત્રિમાં,
અને સૂક્ષ્મ સૌન્દર્યે સંકળાયલી
ને કલાકાર દેવોએ વળાંકોએ વિલાસતા
શ્લોકોમાં છે કરી બદ્ધ, એવી સ્વર્ણ કવિતા શાં શુભાંગ
હે !
પ્રેમ ને ભાગ્ય બોલાવી રહ્યાં છે જ્યાં
ત્યાં તમારી મોહની લઇ સંચરો :
તારા જીવન-સંગીને માટે સાહસ ખેડતી
જા તું ગહન લોકમાં.
કેમ કે ક્યાંય પૃથ્વીના ઝંખનાએ ભર્યા ઉરે
તારી--અજ્ઞાતની વાટ જુએ છે કો પ્રેમી અજ્ઞાત તાહરો.
બળ છે તુજ આત્મામાં અને એને જરૂર ના
માર્ગદર્શક અન્યની
સિવાય એક જે તારા હૈયાની શક્તિઓમહીં
છે પ્રજવલંત ભીતરે
તારો સ્વભાવ માગે છે જેને તેહ તારું સ્વરૂપ દૂસરું
સમીપે સરતાં તારાં પગલાંની ભેટે સમીપ આવશે,
એ દેહાંત સુધી તારી યાત્રામાં સાથ આપશે,
પગલે પગલે તારે ચાલશે એ સહયાત્રી સમીપમાં,
વીણાવાદક એ તારા આત્મા કેરી તંત્રીનો અંતરંગિણી,
તારામાં મૂક છે તેને એ સ્વરોમાં ઉતારશે.
પછી તમે બની જાશો વીણાઓ બે સગાઈ સાથ સ્પંદતી,
ભેદના ને મોદ કેરા તાલમેળે એકરૂપત્વ ધારતી,
સમાન દિવ્ય તાનોમાં પ્રતિ-ઉત્તર આપતી,
પ્રાકટયે આણતી સૂરો નવા શાશ્વત વસ્તુના.
શક્તિ એક જ બન્નેને ચલાવશે
|
૪૨
|
|
ને બન્નેને માર્ગદર્શન આપશે,
જ્યોતિ એક જ બન્નેની આસપાસ અને અંતરમાં હશે;
બલિષ્ઠ હાથ શું હાથ મિલાવીને
સ્વર્ગના પ્રશ્નરૂપી જે જિંદગી છે તેની સામે ખડાં થજો :
તોતિંગ છળવેશની
કારમી જે કસોટી છે તેહને પડકારજો.
ચઢી પ્રકૃતિમાંથી જા શૃંગોએ દિવ્યતાતણાં;
સુખસૌભાગ્યનો તાજ ધારનારા દેવો સંમુખ થા ખડી,
મહત્તર પછી પામ પ્રભુને જે
કાલાતીત તારું આત્મસ્વરૂપ છે."
બીજરૂપ હતો શબ્દ આ ભાવી સર્વ વસ્તુના.
કો માહાત્મ્યતણે હસ્તે ખોલી નાખ્યાં
એના હૈયાતણાં દ્વાર તાળાએ બંધ જે હતાં
ને બતાવ્યું કાર્ય જેને માટે જન્મ પામ્યું 'તું ઓજ એહનું.
યોગની શ્રુતિમાં જ્યારે ગહને મંત્ર ઊતરે
અંધ મસ્તિષ્કને ત્યારે કરી ક્ષુબ્ધ એનો સન્દેશ જાય ત્યાં
ને અંધરા અને અજ્ઞ કોષોમાં એ રાખે છે એહનો ધ્વનિ;
શ્રોતા સમજતો એક શબ્દરચિત રૂપને
ને નિર્દેશક એનામાં જે વિચાર તેના ધ્યાનમહીં રહી
મથતા મનના દ્વારા કરે યત્ન એ એને અવબોધવા,
પરંતુ સૂચનો માત્ર એને ઉજ્જવળ આવતાં,
પામતો એ ન એનામાં મૂર્ત્ત થયેલ સત્યને :
પછી પોતામહીં એને પામવાને મૌન એ સેવતો, અને
શ્રુતિનો ચૈત્ય-આત્માની ભેટો એને થતો ભીતરની મહીં :
છંદોલયે ભર્યા સૂરે શબ્દ કેરો ધ્વનિ આવૃત્તિ પામતો :
વિચાર, દૃષ્ટિ ને ભાવ અને ઇન્દ્રિયચેતના,
ને સત્તા દેહની જાતાં ઝલાઈ ત્યાં અનિવાર્ય પ્રકારથી,
ને મનુષ્ય સહે એક સંમુદા ને અમર્ત્ય પરિવર્તન;
સંવેદે એ બૃહદ્દ-ભાવ અને એક શક્તિરૂપ બની જતો,
સમુદ્ર સમ આવે છે સર્વ જ્ઞાન એની ઉપર ઊમટી :
હર્ષ ને શાંતિનાં નગ્ન સ્વર્ગોમાં એ સંચરે પલટાયલો
શુભ્ર અધ્યાત્મ રશ્મિએ,
પ્રભુનું મુખ એ જોતો, સુણતો એ પાર કેરી સરસ્વતી :
આના સમાન માહાત્મ્ય સાવિત્રીના જીવને ઉપ્ત ત્યાં થયું.
|
૪૩
|
|
જાણીતી શક્તિઓ મધ્યે વિચારે મગ્ન ચાલતી,
સ્પર્શાતી નવ વિસ્તારો વડે એ ને પરીઓની ઈશારતે,
હજી હતી ન પોતાની બૃહત્તાઓ, તેમની પ્રતિ એ વળી;
અજ્ઞાત માધુરીઓની ધબકો હતું
પ્રલુબ્ધ ઉર એહનું,
પાસે એની હતાં હાવે રહસ્યો કો એક અદૃષ્ટ લોકનાં.
સ્મિતે સુહંત આકાશે પ્રાત:કાળ આરોહી ઉપરે ગયો;
શિખરાગ્રથકી નીલ નીલમાભ સમાધિના
નંખાયેલો નમ્યો નીચે દિન દીપ્ત સંધ્યાના સ્વર્ણવર્ણમાં;
પરિત્યક્ત પ્રકાશંત વસ્તુ શો વ્યોમમાર્ગમાં
ચંદ્રમા પ્લવતો હતો,
ને તે ભુલકણી સ્વપ્ન-કિનારીની નીચે પામ્યો નિમગ્નતા;
રાત્રિએ શાશ્વતી કેરી ચોકિયાત જ્વાલાઓ જાગતી કરી.
પછી સર્વ ફર્યું પાછું મન કેરાં ગુપ્ત ગહવરની મહીં;
દિવ્ય વિહંગની પાંખો પર આવ્યું અંધારું એક ઊતરી
ને બહિર્દૃષ્ટિથી એની ઈન્દ્રિયોને સીલ ભીતરમાં કરી
ને ઉઘાડયાં ઊંઘ કેરાં ઊંડાણો ઘોર કૈં.
જયારે પરોઢિયું આવ્યું સરકીને
રાત્રિ કેરી છાયા-ચોકીમહીં થઇ,
નવી જન્મેલી જ્યોતિએ
મુખદર્શનને માટે સાવિત્રીની ઈચ્છા ત્યારે કરી વૃથા;
જાગ્યો મહેલ, જોયું તો ખાલી પોતે બન્યો હતો;
હંમેશાંના હર્ષ કેરી હતી દૂર અધીશ્વરી ;
એનાં ચંદ્રપ્રભા જેવાં પગલાં રંગતાં ન 'તા
લસતાં મ્હેલનાં તલો :
સૌન્દર્યે ને દિવ્યતાએ લઇ લીધી હતી વદા.
ભાગી ગયો હતો હર્ષ ઢુંઢવાને માટે વિશાળ વિશ્વને. |
૪૪
ત્રીજો સર્ગ સમાપ્ત
|